મેં ચા બનાવી

પૃથ્વી પરનો એક દિવસ, સમય સાંજના ૫:૩૦ કલાકે એક મહત્વનું અભિયાન શરુ થયું,

પત્ની ઘરે ન હોવાથી મારે ચા બનાવવાનું થયું. ઘણા સમય પહેલા જયારે ચા બનાવી ત્યારનો અનુભવ બહુ સારો ન હતો. ‘ચા કેમ બનાવવી’ એ વિષે ઘણી સૂચનાઓ મળી હતી એટલે આ વખતે હું વધુ સાવધ હતો.

૧. દુઘ તો ફ્રીઝમાં જ હોય એટલે એ બહુ ચિંતા નહોતી પણ ગઈ વખતે જ્યારે ચા બનાવવા માટે રસોડામાં ગયો ત્યારે ખાંડનો ડબ્બો શોધવામાં ઘણો સમય ગયો હતો  એટલે આ વખતે થોડું ધ્યાન રાખ્યું ચા અને ખાંડના ડબ્બા બરોબર છે કે નહીં. ચા અને ખાંડના ડબ્બા પોતાની જગ્યાએ બરાબર ગોઠવાયેલા હતા એ જોઇને શાંતિ થઇ. તપેલી, ગરણી વગેરે પણ તરત મળી ગઈ. અને ગેસ લાઈટરે પણ પોતાની ઉપસ્થિતિ દર્જ કરાવી દીધી, માંરે અને ગેસ લાઈટરને ૩૬ નો આંકડો છે. ખબર નહી કેમ પણ મારાથી ગેસ લાઈટરથી ગેસ સહેલાઈથી ચાલુ થાય જ નહી. ગેસ લાઈટરને જોઇને મારો આત્મવિસ્વાસ તળિયે પહોચી જાય. જનુનથી ગેસ લાઈટર અનેક વાર દબાવ્યું અને છેવટે ગેસ ચાલુ થયો,   

૨. ચા કેમ બનાવવી એ વિષે વિશેષગ્યોમાં મતમતાંતર છે. કોઈ પહેલા પાણીમાં ચા ખાંડ નાખી, એ ઉકળે પછી દૂધ નાખવું જોઈએ એવું માને છે. જયારે અન્ય મત પ્રમાણે બધું એક સાથે ભેગું કરીને ઉકાળવું જોઈએ. આ સિવાયના બીજા મતો વિષે મને બહુ જાણકારી નથી. મેં પહેલી પદ્ધતિ પ્રમાણે ચા બનાવવાનું નક્કી કર્યુઁ.  માપ પ્રમાણે પાણી લીધું એમાં બે ચમચી ખાંડ નાખી એક ચમચી ચા નાખી અને ગરમ કરવા મૂકી દીધું. પાણી ગરમ થયું એટલે પછી ફ્રિજ માંથી દૂધ લેવા ગયો ફ્રીઝ ખોલ્યું તો સામે જ એક પવાલી દેખાણી એમાં દૂધ છે એવું લાગ્યું (મારે ક્યારેક દૂધ લેવાનું થયું ત્યારે પવાલીમાં લીધું હતું એવું યાદ આવ્યું.).  પણ ‘ચેતતો નર સદા સુખી’ પ્રમાણે મને એમ થયું કે ચેક કરી લેવું સારું. મારી શંકા સાચી નીકળી. ચાખ્યું. એ છાશ હતી દૂધ નહોતું એટલે વળી ફ્રીઝના બીજા ખાનામાંથી તપેલીમાં દૂધ રાખ્યું હતું એ શોધ્યું અને ઉકળેલા પાણીમાં નાખ્યું, સામાન્ય રીતે ઘરમાં આદુવાળી ચા બને, એટલે મેં આજુબાજુ જોયું પણ આદુ ક્યાય નજરે પડ્યું નહી એટલે નક્કી કર્યું કે આદું વગરની ચા પણ એટલીજ પીવા યોગ્ય હોય છે.

૩. સુચના મળેલી કે ચા કડક બનાવવી હોય તો સારી રીતે ઉકાળવી પડે. ઉત્સાહમાં ઘણીવાર સુધી ચા ઉકળવા દીધી અને પછી જ્યારે ચા ગાળી ત્યારે ખબર પડી કે જે માપ પ્રમાણે મેં દૂધ અને પાણી નાખ્યા હતા એ પ્રમાણે દોઢ કપ જેવી ચા થવી જોઈએ એના બદલે પોણો કપ ચા થઈ.

૪. જ્યારે હું ચા ગાળતો હતો ત્યારે થોડી પણ ચા ગરણીમાં ન રહી જાય એ સુનિશ્ચિત કરવાના પ્રય્તોમાં ચા ગળાઈ ગયા પછી ગરણીમાં જે ચા પત્તી  રહી જાય એ પાછી કપમાં પડી ગઈ અને થોડી ચા કપમાંથી બહાર છલકાઈ ગઈ.  એટલે જે ઓછી ચા બનીતી એમાં પણ નુકસાન થયું.

૫. ચા સાથે કંઈક ખાવાનું મન થયું અને મને કહેવામાં આવેલું કે આ જગ્યાએ   જે પેટી પડી છે એમાં નાસ્તો છે એટલે મેં પેટી ખોલીતો તેમાંથી  નાસ્તો તો ન નીકળ્યો પણ ગોંડલીયા મરચાનું દળેલું મરચું નીકળ્યું. વળી પાછું બીજી પેટી શોધી અને કંઈક નાસ્તા જેવું મળ્યું.

૬. પછી ચા પીધી તો ધ્યાનમાં આવ્યું કે ભાઈ ખાંડ વધારે પડી ગઈ છે પણ એકંદરે પીવા જેવી ચા બની હતી એનો સંતોષ થયો.

છેવટે આ અઘરો પ્રકલ્પ પુરો થયો. ચા બનાવવી એ બહુ અઘરું કામ છે અને મારું જ્ઞાન આ વિષયમાં બહુજ દયનીય છે એવું ફલિત થયું. ફોનથી અને રૂબરૂમાં મારી પત્નીએ મને ચા બનાવતા શીખવાડવાની જે અથાગ મહેનત કરી એ મહદ અંશે પાણીમાં ગઈ અનો અફસોસ થયો, પણ હિમ્મત નહિ હારું એવું નક્કી કર્યું. ફરીથી વધુ મહેનત  કરીશ.

આપના અનુભવો કેવા રહ્યા?

૩ માર્ચ ૨૦૨૪ – પ્રો.(ડો) તેજસ પુજારા

રામ મંદિર – ‘સ્વ’નો સૂર્યોદય

આવતીકાલે સોમવાર, પોષ સુદ બારસ, વિક્રમ સંવત ૨૦૮૦ ના રોજ બ્રહ્મ યોગમાં વિશ્વના એકમાત્ર રાજા મર્યાદા પુરુષોતમ શ્રીરામનું બાલ સ્વરૂપ એટલે કે રામલલ્લા પોતાના ઘરમાં, રામજન્મ ભૂમિ તીર્થસ્થળ અયોધ્યાજી ખાતે ભવ્ય મંદિરમાં, પુનઃ વિરાજમાન થશે.

આવતીકાલનો સૂર્યોદય ‘સ્વ’ નો સૂર્યોદય હશે. ‘સ્વ’ એટલે પોતાની જાત પ્રત્યે સભાનતા, પોતાની જાત વિશેનું પ્રત્યક્ષીકરણ. આવતીકાલથી દરેક ભારતીય પોતાની સાચી ઓળખ મેળવશે.   

આ અવસર ને ઉજવવા, આવકારવા અતુલ્ય ભારતનો દરેક ભારતીય રામમય બની ગયો છે પછી તે વિશ્વના કોઈ પણ ભૂભાગમાં કેમ ન રહેતો હોય. આ વિરલ ઘટનાના આપણે સહુ ભગવાન રામની કૃપાથી સાક્ષી બનવા જઈ રહ્યા છીએ એ આપણા સહુનું સૌભાગ્ય છે.

આ અતુલ્ય ભારત છે. એની તુલના બીજા કોઈ દેશ સાથે થઇ શકે નહિ. સ્વામી વિવકાનંદ જયારે વિશ્વભ્રમણ કરી, વિશ્વને ભારતીય દર્શન, ભારતીય સંસ્કૃતિ નો પરિચય કરાવી, ભારત પરત ફર્યા ત્યારે ભારતની રજ માથે લગાવી ભાવવિભોર થઇ ગયા. આંખમાં હર્ષના આંસુ સાથે બોલ્યા કે સમગ્ર વિશ્વમાં જો કોઈ પુણ્યભૂમિ હોય તો એ ફક્ત ભારત છે. દેવતાઓને પણ જો મોક્ષની પ્રાપ્તિ કરવી હોય તો એમણે ભારતમાં જન્મ લેવો પડે.               

આ અતુલ્ય ભારત પર હજારો વર્ષો સુધી આક્રમણો થયા. પહેલા ધન લુંટવા, પછી શાસન કરવા અને અંતે ભારતીય સંસ્કૃતિનો નાશ કરવા.

પહેલું આક્રમણ બર્બર આક્રન્તાઓએ તલવારનો જોરે કર્યું. અસંખ્ય લોકોને માર્યા અને  લુટ ચલાવી. ફરીવાર આજ રીત અપનાવી રાજ સ્થાપિત કર્યું. પણ એમને સમજાયુંકે રાજા અને એના સૈનિકોને હરાવી રાજ સ્થાપિત કરી શકાય પણ રાજ ચલાવવા માટે તો લોકોને જીતવા પડે. એટલે એમણે આપણા શ્રદ્ધા અને આસ્થાના પ્રતીકોનો નાશ કર્યો. આપણા ધર્મગ્રંથો બાળી નાખ્યા, આશ્રમો, મઠો અને મંદિરોને ધ્વસ્ત કર્યા. જનોઈ પહેરવા ન દીધી, બચેલા મંદિરોએ દર્શન કરતા રોક્યા. પણ પ્રજાને પરાજિત ન કરી શક્યા. જે રાષ્ટ્રના દરેક  ઘરમાં મંદિર હોય. ઈશ્વરનો વાસ કણકણ માં છે એવું માનનારા લોકો રહેતા હોય એમને આ રીતે પરાસ્ત ન કરી શકાય. સંપૂર્ણ ભારત પર આધિપત્ય જમાવવામાં નિષ્ફળ રહ્યા. સમયાન્તરે મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી જેવા અનેક વિરલાઓને આ ભુમીએ જન્મ આપ્યો અને સંઘર્ષ ચાલુ રહ્યો. અનેક સંસ્કૃતિઓ આવા આક્રમણ સામે નષ્ટ થઇ ગઈ. પણ અતુલ્ય ભારત અડીખમ રહ્યું.

બીજા આક્રન્તાઓ સુટ, બુટ અને ટાઈ પહેરી વેપારીના સ્વરૂપમાં આવ્યા. અગાઉના અનુભવ પરથી પાઠ લઇ એમેણે ભારતની સંસ્કૃતિ ઉપર ઘા કર્યો. આપણો ધર્મ, આપણા ઉત્સવો, આપણી ભાષા, આપણો પહેરવેશ, આપણા રીત રીવાજો, આપણું પ્રાચીન જ્ઞાન, આપણું છે  એ બધું નકામું છે એવું આપણા મનમાં યેનકેન પ્રમાણે ઠસાવી દીધું. જન્મથી ભારતીય પણ મન, વચન અને કર્મથી વિદેશી લોકોની ફોજ ઉભી કરી દીધી. લોકો માનસિક રીતે ગુલામ અને નિર્માલ્ય થઇ ગયા. લઘુતા ગ્રંથીથી જકડાઈ ગયા. મનમાં આપણી સંસ્કૃતિ વિષે હીન ભાવ ઉત્પન્ન થયો.

આવા સમયે આ અતુલ્ય ભારતે સ્વામી વિવકાનંદ જેવા અનેક  મહાપુરુષોને જન્મ આપ્યો. સ્વામી વિવકાનંદે વિશ્વભરમાં અને ખાસ કરીને યુવાનોમાં આપણી સંસ્કૃતિને પુનઃ પ્રસ્તાપિત કરી અને આહ્વાન આપ્યું કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. એમેણે કહ્યું કે આવનારા પચાસ વર્ષો સુધી બધા દેવોને ભુલી ભારતમાતાને દેવ સ્થાને  સ્થાપો અને મુકિત માટે સંઘર્ષ કરો.

અનેક ભારતીયોના બલિદાન અને વર્ષોના સંઘર્ષ પછી ૧૯૪૭ માં આપણને સ્વરાજ મળ્યું. પરંતુ આપણે ‘સ્વતંત્ર’ ન થયા. આપણું તંત્ર ન લાવી શક્યા. સંઘર્ષ પુરો ન થયો. સત્તામાં આવનારા લોકો મન, વચન અને કર્મથી ભારતીય ન થઇ શક્યા. માનસિક ગુલામી ન છોડી શક્યા. એમની લઘુતાગ્રંથી દુર ન થઇ. ‘સ્વ’ નું તંત્ર ઉભું કરતી બધી જ સંસ્થાઓ ઉપર કહેવાતા ‘બુદ્ધીજીવો’ નો કાબુ રહ્યો. અંગ્રેજોએ અધૂરું મુકેલું કામ પૂરું કરવાની જવાબદારી જેમ એમની હોય એમ બધું જે ‘ભારતીય’ છે એ યોગ્ય નથી એવો પ્રચાર ચાલુ રહ્યો. અત્યારે પણ ચાલુ જ છે.

ફટાકડા ફોડી દિવાળી ન મનાવવી, રંગ પાણી છાંટીને હોળીની ઉજવણી ન કરવી, શિવાલયમાં દુઘ ન ચડાવવું એવો સતત પ્રચાર કરવો, ફિલ્મોમાં ભારતીય સંસ્કૃતિનું અયોગ્ય નિરૂપણ કરવું, ભારતીય પહેરવેશ કે ભારતીય ભાષાની મજાક ઉડાડવી,  સમાજમાં અનેક પ્રકારના ભેદ ઉત્પ્પન કરવા આવી અનેક પ્રકારની પ્રવૃતિઓ ચાલુ જ છે.

આવ સંજોગોમાં રામ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠIથી  ભારતના ‘સ્વ’ નો સૂર્યોદય થશે.  

આજે દરેક ભારતીયને એમ લાગી રહ્યું છે કે આપણે બંને પ્રકારના આક્રમણો સામે અંતે વિજયી થયા છીએ એ આપણા ‘સ્વ’ નો સૂર્યોદય છે.

જાતપાત, પંથ, સંપ્રદાય, ધર્મ, વય, ભાષાના ભેદભાવ ભૂલીને જયારે દરેક ભારતીય જય જય શ્રીરામ બોલે છે એ આપણા ‘સ્વ’ નો સૂર્યોદય છે.

ચોરેચૌટે, શેરી એ શેરીએ, શાળાઓમાં, કોલેજમાં, સમાચાર પત્રોમાં, ટીવીમાં, ગીતોમાં, નાટકોમાં, રંગોળીમાં, સુશોભનમાં જયારે સિયાવર રામચન્દ્ર કી જય બોલાય છે એ આપણા ‘સ્વ’ નો સૂર્યોદય છે.

સમગ્ર ભારત એક થઇ રામમય બની ભગવા રંગે રંગાઈ ગયું છે એ આપણા ‘સ્વ’ નો સૂર્યોદય છે.

દરેક ભારતીયની છાતી આત્મવિશ્વાસથી ફુલી રહી છે અને ભારતીય હોવાનું ગૌરવ છલકી રહ્યું છે એ આપણા ‘સ્વ’ નો સૂર્યોદય છે.

વિશ્વગુરુ બનવાનું સપનું હકીકત બનશે અને ભારતનું વિશ્વગુરુ બનવું એ વિશ્વ માટે કલ્યાણકારી છે એવું જે ભારતીયોનું માનસ બન્યું છે એ આપણા ‘સ્વ’ નો સૂર્યોદય છે.

આપણી પરંપરાઓ ઉપર આપણો અને સમગ્ર વિશ્વનો વિશ્વાસ દ્રઢ થયો છે એ આપણા ‘સ્વ’ નો સૂર્યોદય છે.  

આ ‘સ્વ’ નો સૂર્યોદય છે. પ્રથમ પગલું છે. મહાપ્રયત્ને ફરી મેળવેલી ઓળખ ભુલાઈ ન જાય એ સુનિશ્ચિત કરવું પડશે. ભારતને ફરીથી ભારત બનાવવું પડશે. દરેક ક્ષેત્રમાં ભારતને લાવવું પડશે. પછી એ શિક્ષણ, અર્થશાસ્ત્ર, રાજનીતિ, ઉદ્યોગનીતિ, કૃષિનીતિ કે અન્ય કોઈ નીતિ હોય. ભારતના પ્રશ્નોનો ઉત્તર ભારતમાંથી જ શોધવો પડશે. આપણા વાણી, વર્તન, વ્યવહાર, ભાષા, પહેરવેશ અને વિચારોમાં ભારતીયતા લાવવી પડશે. આવું થશે તો જ આપણે ભારતમાતાને વિશ્વગુરુ સ્થાન પર પુનઃ પ્રસ્તાવિત કરી શકીશું.

સ્વામી વિવેક્નંદે કહ્યું હતું કે જેમ દરેક વ્યક્તિની નિયતિ હોય છે એમ દરેક રાષ્ટ્રની પણ નિયતિ હોય છે. અને ભારતની નિયતિ વિશ્વગુરુ બનવાની છે. વિશ્વનું માર્ગદર્શન કરવાની છે. એ થઈને રેહશે. કેટલું ઝડપથી થશે એ આપણે આપણામાં કેટલી ઝડપથી ભારતને લઇ આવશું એના પર નિર્ભર છે.

ભારત જાગશે તો વિશ્વ જાગશે!   

જય જય શ્રીરામ!

પ્રો. ડો. તેજસ પુજારા

૨૧ જાન્યુઆરી ૨૦૨૪

લોકો શું કહેશે?

‘લોકો શું કહેશે?’ આ વાક્ય વારંવાર અમુક લોકોના મોઢે સાંભળવા મળે છે. ‘આવું કરાય’, ‘લોકો શું કહેશે?’. ‘આવા કપડા પહેરાય’, ‘લોકો શું કહેશે?’. ‘આટલા ઓછા ટકા’, ‘લોકો શું કહેશે?’.

‘લોકો શું કહેશે?’ આ વાક્ય સામાન્ય રીતે લોકો નકારત્મક પ્રતિભાવ આપશે એ સંદર્ભમાં બોલાતું હોય છે. ખબર નથી પડતી કે આ કોણ લોકો છે અને એમને શું કામ કોઈને કઈ નકારાત્મક કહેવું છે? અને એમને કહેવું હોય તો પણ  આપણે શું કામ એની ચિંતા કરવી જોઈએ.

‘લોકો શું કહેશે?’ આમ જયારે આપણે બોલીએ છીએ ત્યારે આપણે અમુક ધારણા બાંધી લઈએ છીએ. એક, આ દુનિયામાં કેટલાક લોકો એવા છે કે જે આપણા પર સતત ધ્યાન રાખી રહ્યા છે. બે, એ લોકોને આપણી દરેક ક્રિયા પર પોતાનો નકારાત્મક અભિપ્રાય આપણા સુધી પહોચાડવો છે અને એવો સમય પણ એમની પાસે છે. ત્રણ, એ લોકોનો અભિપ્રાય, આપણા માટે બહુ અગત્યનો છે.

ખરેખર જો આપણે નીચેના પ્રકારની યાદી બનાવીએ તો ઉપરની ધારણાઓ સાચી છે કે કેમ એ ખબર પડે.

૧. એવા લોકોની યાદી જેનો અભિપ્રાય આપણા માટે અગત્યનો છે.

૨. કેટલી વાર આવા લોકોએ, ક્યાં પ્રકારનો નકારાત્મક અભિપ્રાય આપ્યો?

મને ચોક્કસ ખાતરી છે કે આપણે આવા લોકોની અને એમણે આપેલા નકારાત્મક અભિપ્રાયની લાંબી યાદી નહી બનાવી શકીએ.

બહુ ઓછા (આંગળીના વેઢે ગણી શકાય એટલા) લોકો આ દુનિયામાં છે જેને માટે આપણે અગત્યના છીએ અને જે આપણે શું કરી રહ્યા છીએ એની ચિંતા કરે છે. એટલે જ એમનો સકારાત્મક કે નકારાત્મક બન્ને પ્રકારનો અભિપ્રાય આપણે માટે અગત્યનો છે,

બાકી બીજા ‘લોકો શું કહેશે?’ એની બહુ ચિંતા કરવા જેવી નથી.

બહુ વધારે તો નથી લખાઈ ગયું ને? ‘લોકો શું કહેશે?’  

  • પ્રો. (ડો.) તેજસ પુજારા

નવલી નવરાત્રી

ભારત ઉત્સવ પ્રિય દેશ છે. આપણા વડવાઓએ ઉત્તમ વ્યવસ્થા ગોઠવી છે. એક તહેવાર પૂરો થાય, એનો થાક માંડ ઉતર્યો હોય ત્યાં બીજો તહેવાર આવે. હજી ગણેશ ઉત્સવ પૂરો થયો ત્યાં નવરાત્રી આવી પહોચી. નવરાત્રી, વિશ્વનો સૌથી મોટો નૃત્યનો ઉત્સવ, બે દિવસ પછી શરુ થશે. નવરાત્રીને વિશ્વના  સૌથી મોટા નૃત્ય ઉત્સવનું બિરુદ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ આપેલું. નરેન્દ્રભાઈને કોઈ કામ નાના પાયે કરવું ગમતું નથી. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા બનાવી તો વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનાવી. સામાન્ય રીતે આ નવ દિવસમાં લગભગ મોટા ભાગના ભારતીયો માંની ઉપાસના કરે છે અને ગરબીમાં માં સામે માથું નમાવે છે. પણ ૨૦૨૧મા નવરાત્રી કોરોનાના ઓછાયા હેઠળ ઉજવાશે એટલે મોટી મોટી ગરબીના આયોજન નહી થાય પણ શેરી ગરબા યથાવત રહેશે. શેરીમાં ઉજવાતા નોરતાનું વિશેષ મહત્વ છે. એમાં અનેક પ્રકારના લોકો જોડાય છે.

અમુક પ્રકારના લોકો જે મારા ધ્યાનમાં આવ્યા છે તે નીચે લખ્યા છે. આમાં બધાજ આવી ગયા છે તેવું નથી. મારું પતે પછી તમે ઉમેરો કરવાનું ચાલુ કરજો. 

પ્રકારના નામ નથી આપ્યા. એ વાંચકો ઉપર છોડું છુ. ઘણી વખત એકજ વ્યક્તિમાં એક થી વધારે પ્રકારનું વર્તન પણ જોવા મળે છે.

પ્રકાર ૧: આ પ્રકારના લોકો નવરાત્રીના ઘણા પહેલા સક્રિય થઈ જાય. વ્યવસ્થા કરવા લાગી જાય. શેરીના લોકોને ભેગા કરે. ફંડ ફાળો ઉઘરાવે. મંડપ, સજાવટ, માઈક, સ્પીકરની ચિંતા કરે. શેરીના લોકોને અલગ અલગ કામની જવાબદારી સોંપી દે. નોરતાના પુરા થાય ત્યાં સુધી મુખ્યમંત્રી જેટલો ભાર લઈને ફરે. બધા લોકોમાં એ આગેવાન તરીકે સ્વીકાર્ય હોય છે.

પ્રકાર ૨: નોરતાના દિવસે સૌથી પહેલા મંડપમાં આવી જાય. બધી વ્યવસ્થા ગોઠવે. પછી વારંવાર માઈક પર જાહેરાત કરતા રહે કે ‘હવે બધા ચાંચળ ચોકમાં આવી જજો. ગરબાનો સમય થઇ ગયો છે અને આપણે ૧૨ વાગ્યે તો  આરતી કરવાની છે. બધા ઝડપથી આવી જજો.’ અને ગરબા શરુ થાય ત્યારે બધાને આગ્રહ કરી ગરબા રમાડે. પોતે પાછા ન રમે. પણ બધાને આગ્રહ કરી રમાડે. કોઈ ને બેસવા ના દે.

પ્રકાર ૩: મંડપની આસપાસ રાખેલી ખુરશીમાં ગંભીર મોઢું કરી એવી રીતે બેઠા હોય જાણે કહેવા માંગતા હોય કે આ બધામાં મને જરાય રસ નથી આતો મારે આવવું પડે એટલે પરાણે આવ્યોં છુ. કોઈ એ લોકોને રમવાનો આગ્રહ ન કરે કે છંછેડે નહી.        

પ્રકાર ૪: આનંદી જીવડા. ગરબા રમે નહી પણ ટેશથી બેઠા હોય. ગરબાનો પૂરે પૂરો આનંદ માણે. પોતે ન રમે, પણ બીજાને રમતા જોઈ રાજી થાય. ઠેઠ સુધી ચા પાણી પીધા રાખે. નાસ્તાની વ્યવસ્થામાં આગળ પડતા હોય. પહેલા બે ડીશ ચાખી લે.

પ્રકાર ૫: અમુક લોકો નિસ્પૃહી હોય. ટોળામાં પણ એકલા હોય તેમ બેઠા હોય. શરૂઆતથી લઇ છેલ્લે સુધી ખુરશીમાં બેઠા હોય. બહુ હરખશોખ ન રાખે. આવા લોકોને, ગરબે રમતા લોકો, રમવામાં અડચણમાં આવતી બધી વસ્તુઓ સંભાળવા માટે આપી જાય જેવીકે ફોન, પર્સ / પાકીટ, દાંડિયા, પહેરવાની આડી આવતી કોઈ વસ્તુ વિગરે અને બહેનો નાના બાળકોને પણ સાંચવવા આપી જાય. એ બધું હસતા મોઢે સાંચવે અને ગરબે રમવામાં મદદરૂપ થયાનો સંતોષ અને પુણ્ય મેળવે.

પ્રકાર ૬: બહુ આગ્રહ કરો એટેલે આયોજકો પર અને આગ્રહ કરનાર પર ઉપકાર કરતા હોય તેમ  પરાણે એક બે ચક્કર મારે અને પાછા બેસી જાય. ‘મને આ બધું ન ફાવે તેમ પાછા બોલતા જાય.

પ્રકાર ૭: રમવાની બહુ ઈચ્છા હોય. પણ આવડે નહી એટલે બધાને નડતા હોય.

પ્રકાર ૮: આ લોકો પોતાનું અલગ ગ્રુપ બનાવે અને બીજા કરતા અલગ પ્રકારના ગરબા રમે. જે લોકો ફક્ત એક તાળી કે ત્રણ તાળી રમતા હોય એની સાથે એમને ન ફાવે.

પ્રકાર ૯: નોરતાની દિવસોથી રાહ જોતા હોય. બધી  તયારી કરી રાખી હોય.  બરાબર સજીધજીને આવે. પેલ્લે થી છેલ્લે સુધી રમે. બધા પ્રકારના ‘સ્ટેપ્સ આવડતા હોય. પરસેવેથી પલળી ગયા હોય તો પણ હજી દસ મિનીટ ખેંચી લઈએ અને દશેરાના દિવશે પણ પુર્રું રમવાનો આગ્રહ રાખતા હોય. નવા નવા રમતા શીખેલા લોકો માટે આદર્શ હોય. એના ઉદાહરણ દેવાતા હોય ‘ જો આમની જેમ રમાય, શીખ કઈક. દરેક શેરીમાં આવા બે ચાર લોકો મળી જ આવે.

જેમ કહેવાય છેકે બધા પ્રકારના લોકો મળીને દુનિયા બનેછે તેમ નોરતામાં પણ આ બધાજ પ્રકારના લોકોનું મહત્વ છે અને બધા લોકો જરૂરી છે.

તમે ક્યાં પ્રકારમાં આવો છો? બીજા ક્યાં પ્રકારના લોકો હોય છે? દરેક પ્રકારને નામ આપવા હોયતો ક્યાં નામ આપ શકાય? પ્રતિભાવ આપજો.   

તમારી પાસે ‘વેન્ટીલેટર’ છે?

આમ જુઓ તો ‘કોરોંના’ કોઈ મોટો નથી, ભારતમાં જાન્યુઆરી ૨૦૨૦માં કેરળમાં જન્મ્યો. આ લખાય છે ત્યારે માંડ ૧ વર્ષ અને ૭ મહિનાનો થયો. છતાં પણ આ સમય કોરોનાકાળ તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે કોઈ કોઈ સમયગાળો દેશ કે દુનિયા માટે અત્યંત મહત્વનો હોય ત્યારે એ કાળ તરીકે ઓળખાતો હોયછે. એ દ્રષ્ટિએ, આ સમય સમગ્ર વિશ્વમાં ઉથલ-પાથલ કરવા માટે જવાબદાર કોરોનાના નામથી ઓળખાય તે બરાબર છે. અને દરેક કાળનો અંત પણ થતો હોય છે એટલે કોરોનાનો પણ અંત થશે તે પણ નક્કી છે.

આ સમયમાં ઘણા શબ્દો પ્રચલિત થઇ ગયા. એમાંનો એક શબ્દ એટલે ‘વેન્ટિલેટર’. ગંભીર કોરોના સામે લડવા માટે ઉપયોગી થયેલા અનેક શસ્ત્રોમાનું એક એટલે ‘વેન્ટિલેટર’ મશીન.  દવાખાનાની ભાષામાં વેન્ટિલેટર અર્થ આપણને શ્વાસોશ્વાસ લેવામાં મદદરૂપ થાય તેવું મશીન થાય છે. પરંતુ વેન્ટિલેટરનો એક બીજો પણ અર્થ થાય છે, ‘હવાબારી’.

ઓરડામાં કે બંધજગ્યામાં તાજી હવાની અવરજવર થાય એના માટે કરેલી નાની બારી એટલે ‘હવાબારી’. આ હવાબારી ઓરડાની ગરમ હવાને બહાર જવાનો રસ્તો આપે અને બહારની તાજી હવાને અંદર આવવા દે. જો આ વ્યવસ્થા ના હોય તો ગુંગળામણ થાય.

જેમ બંધ ઓરડામાં હવાબારી વગર ગુંગળાઈ જવાય તેમ વ્યક્તિ પાસે પણ જો તેની વ્યક્તિગત હવાબારી ન હોય તો તે અંદરનેઅંદર ગુંગળાઈ જાય. કોરોંના રૂપી કાળ સામે લડવા માટે ‘હવાબારી’ પણ  એટલી  જ જરૂરી છે. કોરોનાકાળ દરમિયાન ઉભા થયેલા અને સામાન્ય સંજોગોમાં પણ ઉભા થતા અનેક માનસિક પ્રશ્નોનું સમાધાન આ હવાબારી બની શકે છે.            

આ વ્યક્તિગત હવાબારી એટલે એવું કોઈ વ્યક્તિ કે જેના દ્વારા આપણે આપણા અંતરની ગરમ હવા બહાર કાઢી શકીએ અને તાજી હવા મેળવી શકીએ. કોઇપણ જાતનો ડર રાખ્યા વગર આપણે મનની વાતો / વ્યથાઓ ઠાલવી શકીએ. જે આપણને ત્રાજવું લઈને તોલવા તત્પર ના બેઠા હોય, જેનું પેટ મોટું હોય અને મોઢું નાનું હોય.

એ ‘હવાબારી’ કોઇપણ હોઈ શકે, માતા-પિતા, ભાઈ-બહેન, મિત્ર-શિક્ષક જેને કોઈ નામ ન દઈ શકાય એપણ. એટલું તો નક્કી છે કે કોરોંના સામે લડવા માટે કે સ્વસ્થ જીવન જીવવા માટે દરેક પાસે આ વ્યક્તિગત ‘હવાબારી’ કે ‘વેન્ટિલેટર’ હોવું જોઈએ. એનાથી ઘણા માનસિક પ્રશ્નો ટળી શકે છે કે એનો ઉકેલ આવી શકે છે.

તમારી પાસે ‘વેન્ટિલેટર’ છે? તમે કોઈના ‘વેન્ટિલેટર’ બનવાની ક્ષમતા ધરાવો છો? કોઈના ‘વેન્ટિલેટર’ છો?

થોડામાં ઘણું સમજજો. પ્રતિભાવ આપજો.

પોત પોતાની ‘ગાય’

ભૂરો ભણવામાં બહુ હોશિયાર. જરૂર પડેતો જુગાડ પણ કરીલે. ગુજરાતીનું પેપર હતું. પેપરમાં કોઈ વિષય પર નિબંધ તો પુછાય જ. સાહેબે ત્રણ ચાર વિષય પર નિબંધ તૈયાર કરવાનું કહ્યું હતું. પણ કોઈ કારણસર ભૂરો ફક્ત ‘ગાય’ નો નિબંધ જ તૈયાર કરી શક્યો. અને પરીક્ષમાં ‘ઝાડ’ પર નિબંધ પૂછાયો. ભૂરો થોડીવાર તો મુંજાણો. પણ હતો હોશિયાર. તોડ કાઢ્યો. નિબંધ લખવાની શરૂઆત કરી.

‘ગામના પાદરે એક વર્ષો જુનું ઘેઘુર ઝાડ હતું. એના છાયડે મનુષ્ય, પશુ, પંખી આશરો લેતા હતા. ઉનાળાનો સમય હતો. કાળજાળ ગરમીથી બચવા એક ગાય ઝાડ નીચે ઉભી હતી’ આટલું લખી બાકીનો આખો નિબંધ ‘ગાય’ પર લખી આવ્યો.

ભુરાને મજા પડી ગઈ. ફાવટ આવી ગઈ. કોઈ પણ વિષય હોય. શરૂઆતમાં એ વિષય પર થોડા વાક્યો લખી, એ વિષયને ગાય સાથે જોડી પછી આખો નિબંધ ગાય પર લખી નાખવાનો.

આમતો આ વાર્તા કાલ્પનિક છે પણ શું સાચી નથી લાગતી? શું દરેક વક્તાને પોતાની ‘ગાય’ નથી હોતી? કોઈ પણ વિષય હોય એ મોટા વક્તાઓ હમેશા પોતાની ‘ગાય’ પર નથી બોલતા?

થોડા દિવસો પહેલા એક મોટા ગજાના વક્તાને સાંભળવાનું થયું. મજા આવી. જુદા જુદા ઉદાહરણો આપી બહુ સરસ રીતે વિષય મુક્યો. બીજી વખત આમત્રણ આવ્યું. વિષય અલગ હતો. અને અગાઉનો સારો અનુભવ હતો. એટલે જવાનું નક્કી કર્યું. વિષયની શરૂઆત બહુ સારી રહી. પણ થોડીવારમાં વિષય વક્તાની ‘ગાય’ તરફ વળી ગયો. થોડું અલગતો હતું. પહેલાના વ્યાખ્યાનમાં ‘ગાય’નું વર્ણન શીંગડાએથી શરુ કર્યું હતું. આ વખતે પુછડેથી શરુ કર્યું. પણ નિબંધતો ‘ગાય’ પરજ લખ્યો. એમને વધુ વખત સાંભળોતો બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ થઇ જાય કે આખો સંસાર મિથ્યા છે વિશ્વનું બધું જ્ઞાન એમની  ‘ગાય’માં જ સમાયેલું છે.

આપની ‘ગાય’ કઈ છે? આપનો ‘ગાય’ વિષે અનુભવ કેવો છે? પ્રતિભાવ આપજો… 

E – Certificate Malshe?

આ કોવીડ કાળમાં વેબીનારનો અવિરત વરસાદ વરસી રહ્યો છે. વેબીનારમાં જોડાતા પહેલા દરેક વ્યક્તિ એ જુએ કે કોઈ સર્ટીફીકેટ મળવાનું છે કે કેમ, પછી વિષય જુએ અને નક્કી કરે કે જોડાઉં કે નહી.

એક વેબીનારમાં સંચાલકે પૂર્વભૂમિકા મુકીને કહ્યું કે વક્તા પોતાનો વિષય રાખે એ પહેલાં કોઈએ કંઈ પૂછવું હોય તો પૂછો અને પહેલો પ્રશ્ન આવ્યો ઈ – સર્ટિફિકેટ મળશે? વક્તાના પરિચય પછી વક્તાએ વિષય મૂકવાનું શરૂ કર્યું. એમને એમ કે વેબીનારમાં જોડાનાર દરેક વ્યક્તિને વિષય બરાબર સમજાવવો જોઈએ એટલે એમણે કહ્યું કે કંઈ પણ ન સમજાય તો અધવચ્ચે રોકી ને પણ પ્રશ્ન પૂછવો, છેલ્લે સુધી રાહ જોવી નહીં અને સણસણતો પ્રશ્ન આવ્યો ઈ – સર્ટિફિકેટ મળશે? આ પ્રશ્ન પૂછનાર સંચાલકની વાત પતી ગયા પછી જોડાયા હતા.

એક સંચાલક તો ઈ – સર્ટિફિકેટ ને લગતા પ્રશ્નો થી એટલા કંટાળી ગયા કે વિષયની પૂર્વભૂમિકા રાખવાની બદલે ઈ – સર્ટિફિકેટ મળશે કે કેમ? ક્યારે મળશે? કઈ શરતોની આધીન મળશે? કેવી રીતે મળશે? એના માટે શું કરવું? કેટલા સમયમાં મળશે? ન મળે તો શું કરવું? કોને પૂછવું? સર્ટિફિકેટમાં સુધારો કરવો હોય તો શું કરવું? વગેરે પ્રશ્નોના ૨૦ મિનિટ સુધી જવાબ આપ્યા.

અમુક સંજોગોમાં સર્ટિફિકેટની જરૂર હોય તે સમજી શકાય છે, પણ આ વધુ પડતી ઘેલછા સમજાતી નથી (શું ‘બધું ભેગા કરવાની’ માનવ સહજ વૃતિ કારણભૂત હશે?). એવું લાગે છે જાણે મહત્વ સર્ટિફિકેટનું છે ન કે જે શીખવા મળવાનું છે તેનું. વિદ્યાર્થીઓ તથા અન્ય બધાને ઈ – સર્ટિફિકેટ  ભેગા કરવા છે પણ પછી એનું શું કરવાનું? શું કામ આવશે? એ કોઈને ખબર નથી છેવટે એ લોકો સોશિયલ મીડિયામાં મૂકીને સંતોષ મેળવે છે

પહેલાના જમાનામાં અને અત્યારે પણ અમુક ઘરના બેઠકરૂમમાં, ‘શો – કેસ’ માં બાળકોએ મેળવેલા સર્ટીફીકેટ, ટ્રોફી અને મેડલ વગેરે બહુ સરસ રીતે સજાવ્યા હોય છે. આ જોઇને કદાચ બાળકોનો આત્મવિશ્વાસ વધતો હશે  અને એમણે વધુ સારું કરવાની પ્રેરણા મળતી હશે. આવનારા મહેમાનો જ્યારે આ મેળવેલી સિદ્ધિઓ નિહાળીને, બાળકો પ્રત્યે અહોભાવ વ્યક્ત કરે અને વખાણ કરે ત્યારે, માતા પિતા પોરસાતા હશે. શું ઈ – સર્ટિફિકેટનું પણ આવું જ હશે?

થોડા દિવસ પહેલાં એક વેબીનારના આયોજનની ચર્ચા કરવા બેઠા હતા. ચર્ચા શરૂ થાયએ પહેલાં જ સહકર્મચારીએ કહ્યું ‘ઈ – સર્ટિફિકેટ તો આપવું જ પડશે નહીંતો કોઈ જોડાશે નહી અને આપણે જેવી વેબીનારની જાહેરાત કરશું એટલે તેઓ પહેલો પ્રશ્ન આવશે કે ઈ – સર્ટિફિકેટ મળશે?’

Webinar no Varsad

વરસાદ આવ – જા કરેછે. થોડી મુજવણમાં છે કે વરસવું કે નહી અને છેવટે હાથ તાળી આપી છટકી જાય છે. પણ આજે આકાશમાંથી પડતા વરસાદની વાત નથી કરવી, આજે તો નેટમાંથી ટપકતા વેબીનારના વરસાદની વાત કરવી છે.

જ્યારથી કોરોનાના એ લોક્ડાઉંન થયું છે અને ‘વર્ક ફ્રોમ હોમ’ એટલે કે ‘ઘરે થી કામ કરો’ ની શરૂઆત થઇ છે ત્યારથી આ વેબીનારે ઉપાડો લીધો છે. બધા લોકોને એવું લાગ્યુકે હવે તો બધા ઘરે જ છે, સાવ નવરા જ છે. ચાલો એમેને કશુક શીખવાડીએ. અને ચાલુ થયો વેબીનારનો વરસાદ. વિદ્યાર્થી, શિક્ષક, કર્મચારી, ધંધાધારી, એજન્ટ, ગૃહિણી કે ગમેતે હોય, કોઈ પણ ઉમરના હોય બધાને વેબિનાર દ્વારા શીખવાડો. શાળા / કોલેજનો અભ્યાક્રમ હોય કે શિક્ષકની તાલીમ હોય, ધંધો કરવાની કળા હોયકે નવી કામ કરવાની રીત હોય, યોગ હોયકે કસરત હોય, સંગીત હોયકે રસોઈ બનાવવાની કળા હોય બધુજ વેબીનારથી શીખવાડો. અરે, વેબીનારની શરૂઆત થયા પછી ખબર પડીકે સાલું જીવનમાં કેટલું બધું શીખવાનું છે અને આપણનેતો  કાંઈ આવડતુંજ નથી, કેટલા અજ્ઞાની છીએ. લઘુતાગ્રંથી બંધાઈ ગઈ. આટલું ઓછુ હોય તેમ જેની પાસે કાંઈ શીખવાડવા જેવું  નહતું તેઓ ઓનલાઈન બેઠકો કરવા માંડયા. છાપા વાળા રોજ કોરોનાથી સંક્રમિત થયેલા લોકોનો વૃદ્ધિદર છાપે છે. જો એ લોકો આયોજિત થતા વેબીનારનો વૃદ્ધિદર પણ છાપે તો મને ચોક્કસ ખાતરી છે કે વેબીનારનો વૃદ્ધિદર કોરોનાના વૃદ્ધિદરથી ટપી જાય.      

વરસાદના બાર પ્રકાર છે: ફરફર, છાંટા,ફોરા, કરા, પછેડી વા, નેવાધાર, મોલ  મેં, અનરાધાર, મુશળધાર,ઢેફા ભાંગ, પાણ મેં અને છેલ્લે આ ૧૧ પ્રકારના વરસાદનું મિશ્રણ અઠવાડિયા સુધી વરસ્યા કરે તેને ‘હેલી’ કહેવાય. વેબીનારની હેલીતો ૪ મહિનાથી ચાલે છે. વર્ષા ઋતુની શરૂઆતમાં વરસાદની મજા આવે, પલળવાનો આનંદ આવે પણ ‘અતિની નહી ગતી’, વધુ વરસાદ લીલો દુકાળ લાવે. આવીજ હાલત અત્યારે વેબીનારની છે. વેબીનારની હેલીના કારણે જ્ઞાનનો અને બેઠકોનો લીલો દુકાળ પડયો છે.

એકબીજાની દેખાદેખીમાં દરેક સંસ્થાને એવું લાગ્યુ કે આપણે રહી ગયા અને પછી કોઈ વિષય હોય કે ન હોય, અરે છેવટે તો ઓનલાઈન વેબીનારનું આયોજન કેમ કરવુ તે વિષય પર વેબીનારનું આયોજન કરી દે. અને વેબીનારમાં ભાગ લેવા વાળા લોકો પણ સોશિઅલ મીડિયામાં રોજ વેબીનારમાં ભાગ લેવા બદલ મળેલા ‘ઈ – સર્ટીફિકેટ’ મુકવા માંડયા . નીચે પાછા લખે ‘લોક્ડાઉંન સમયનો સદુપયોગ’ ‘આખી જિંદગી સતત શીખતા રહો’ અને એવું બધું.. કેટલાક લોકોએ કરેલા સમયનો સદુપયોગ વિષે જાણ્યા પછીતો એવું લાગ્યુકે આપણો જન્મારોતો એળે ગયો એટલેકે આપણું લોક્ડાઉંનતો સાવ એળે ગયું. 

સોશિઅલ મીડિયામાં જાત જાતના પડકાર  ‘ચેલેન્જ’ આવે છે જેમકે સાડી ચેલેન્જ, ધોતી ચેલેન્જ, કોટી ચેલેન્જ, દાઢી ચેલેન્જ, ફોટો ચેલેન્જ વગેરે વગેરે (હવે આ ‘ચેલેન્જોમાં’ ચેલેન્જ શું છે તેની તપાસ સી.બી.આઈ.ને સોંપવી પડે તેમ છે) ક્યાંરેકતો લાગેછે કે ‘ઈ – સર્ટીફિકેટ’ની ચેલેન્જ ન શરુ થઇ જાયતો સારું.

હે પ્રભુ દયા કરો, આ વેબીનારની અતિવૃષ્ટિથી બચાઓ!!!

Webinar Etiquette

Last couple of months taught us so many new things and we have been exposed to a plethora of new technology which became part of our life in no time. One such technology is the webinar / online meeting. This technology helped us to meet and interact virtually sitting in comfort of our home / office during the period of lock-down. As this new online platform is going to be the norm in future, it is the right time for us to learn ‘Etiquette’ for the webinar / online meeting.

Host / Speaker:

Before Webinar

  • Test your hardware/software before Webinar. Ensure that you have latest / updated version of the app on your device.
  • Ensure proper lighting arrangement.
  • Keep extra resources (computer / mobile / headphone / internet connection / power backup / people…) for any emergency.
  • Make sure that you are comfortable with the particular application. You should be at least aware of basic features of an application, if not all. Understand the layout of the user interface well. You should know the location of each button on the screen and its use.
  • Use an application which has features to control the participants’ behavior.
  • If not essential, switch off the Audio / Video of participants at the time of entry. Disable chat room if not required as it disturbs participants.   
  • Inform participants about the platform, you are going to use, well in advance with sufficient instruction. Give them time to install and understand the platform before joining.
  • If any preparation is required on the part of participants, do inform them in advance.
  • In the webinar, participants join at different times and ask the same questions which were answered previously. Send them answers to FAQs in invitation mail itself.

During Webinar

  • Use a good quality of Audio / Video equipment Ensure its proper placement. Check your audibility in between the webinar.
  • Keep customary rituals like ‘welcome address’ ‘vote of thanks’ as short as possible.
  • Handle Q / A sessions with utmost care.
  • Demonstrate professional behaviour. Be concise in discussions if there is any.
  • Many participants join from their smartphone, so choose font size / type / color / background accordingly.
  • If you have to be live during the webinar, ensure to put up formal dress. Ensure proper seating place background. You can also use virtual background if need be. Ensure that there is no movement of people and unnecessary audio around you.
  • Avoid talking on the phone or eating while you are live. 
  • Though one should avoid, still if you need to change the file while sharing, do it quickly. Keep the files ‘open’ which you want to share.
  • Don’t ask participants to visit another website for polling or other activities. If it is essential, inform participants in advance with necessary instructions.
  • Keep a technical person with you to solve technical problems during the webinar.
  • As this is a new platform, all are in the learning phase. Do expect unexpected from participants and yourself. Be ready to face problems related to power / internet / hardware / software and so on.
  • Do respect the time limit.

After Webinar

  • Take feedback.
  • Incorporate learning in the next webinar.

Participants:

Before Webinar

  • Test your hardware/software before Webinar. Ensure that you have latest / updated version of the app on your device.
  • Ensure proper lighting arrangement.
  • Keep extra resources (computer / mobile / headphone / internet connection / power backup / people…) for any emergency.
  • Make sure that you are comfortable with the particular application. You should be at least aware about basic features of an application if not all. Understand the layout of the user interface well. You should know the location of each button on the screen and its use.
  • If any preparation is required on your part, do it before joining the webinar.

During Webinar

  • Switch off the Audio / Video before joining the webinar. Put it ON only when required.  This will save bandwidth and will reduce disturbance for other participants.
  • Do not FORGET to switch OFF your mic when not speaking. MUTE MUTE MUTE….
  • Ensure that by mistake you do not start presenting.
  • Demonstrate professional behaviour. Be concise in discussions if there is any.
  • Follow the instructions of the host.
  • Use a good quality of Audio / Video equipment Ensure its proper placement. 
  • If you have to be live during the webinar, ensure to put up formal dress. Ensure proper seating place background. You can also use virtual background if need be. Ensure that there is no movement of people and unnecessary audio around you.
  • Avoid talking on the phone or eating while you are live. 
  • Do not ask unnecessary questions in the chat box. If at all you want to ask, do ask privately to the concern.
  • Avoid ‘Good Morning / Good Afternoon’ messages with your name. There are hundreds of participants. If all start posting such messages, the chat box will be flooded with messages irritating other participants and, in the process, all will miss an important message.
  • As this is a new platform, all are in the learning phase. Do expect unexpected from speaker and yourself. Be ready to face problems related to power / internet / hardware / software and so on.

After Webinar

  • Gather your learning.
  • Incorporate learning in the next webinar.